નબી કરીમ ﷺ અને યુવાનો: આજના યુવાનો માટે સીરતનો સંદેશ

મુફ્...
Ummah Post
29 August, 2026

નબી કરીમ ﷺ અને યુવાનો: આજના યુવાનો માટે સીરતનો સંદેશ

મુફ્તી અબ્દુલ વહાબ

જુવાની જીવનનો એ તબક્કો છે જેમાં માણસની અંદર ઊર્જા પણ હોય છે, સપના પણ અને કંઈક મોટું કરવાની ક્ષમતા પણ. જો આ જ ઉંમર કોઈ ઊંચા મકસદ (હેતુ) સાથે જોડાઈ જાય તો ઇતિહાસ બદલાઈ શકે છે, અને જો ઈચ્છાઓ, બેદરકારી અને બિનજરૂરી પ્રવૃત્તિઓમાં વીતી જાય તો માણસ પોતાના સૌથી કિંમતી વર્ષો બગાડી દે છે.

આજનો યુવાન પણ આવા જ ચોરાહા પર ઊભો છે. એક તરફ સ્ક્રીનની દુનિયા, પ્રખ્યાત થવાની દોડ, ઈચ્છાઓ અને ક્ષણિક આનંદ છે, અને બીજી તરફ સીરતે રસૂલ ﷺ નો એ રોશન રસ્તો છે જેના પર ચાલનારા યુવાનોએ દુનિયાને નવી દિશા આપી.

રસૂલુલ્લાહ ﷺ એ યુવાનોને ક્યારેય ફક્ત નાની ઉંમરના સમજીને નજરઅંદાજ કર્યા નથી. આપ ﷺ એ તેમની ક્ષમતાને ઓળખી, તેમના પર વિશ્વાસ કર્યો અને તેમને જવાબદારીઓ સોંપી.

હઝરત મુસઅબ બિન ઉમૈર રઝિયાલ્લાહુ અન્હુ મક્કાના એક સમૃદ્ધ યુવાન હતા, પરંતુ જ્યારે ઈમાન લાવ્યા તો સુખ-સુવિધાઓ કરતાં પોતાના મકસદને પ્રાથમિકતા આપી. રસૂલુલ્લાહ ﷺ એ તેમને મદીના મોકલ્યા અને એક યુવાન દાઈ (ધર્મપ્રચારક) એ પોતાના જ્ઞાન, ચારિત્ર્ય અને હિઝમત/ડહાપણથી ત્યાંનું વાતાવરણ બદલી નાખ્યું.

હઝરત ઉસામા બિન ઝૈદ રઝિયાલ્લાહુ અન્હુ હજુ આશરે વીસ વર્ષના જ હતા કે રસૂલુલ્લાહ ﷺ એ તેમને એક મોટા લશ્કરનું નેતૃત્વ સોંપી દીધું. આ સ્પષ્ટ સંદેશ હતો કે નેતૃત્વ ફક્ત ઉંમરથી નથી આવતું, પણ ક્ષમતા, અમાનતદારી અને ચારિત્ર્યથી પેદા થાય છે.

હઝરત મુઆઝ બિન જબલ રઝિયાલ્લાહુ અન્હુને જુવાનીમાં જ યમન મોકલવામાં આવ્યા જેથી તેઓ લોકોનું ધાર્મિક માર્ગદર્શન કરી શકે. તેમનું જીવન દર્શાવે છે કે જુવાની ફક્ત તાકાતનું નામ નથી, પણ જ્ઞાન, ડહાપણ અને સેવાનું નામ પણ છે.

હઝરત અલી રઝિયાલ્લાહુ અન્હુને જુઓ. હિજ્રતની રાત્રે દુશ્મનો ઘરની બહાર મોજૂદ હતા, છતાં તેમણે રસૂલુલ્લાહ ﷺ ના બિસ્તર પર ઊંઘવાની જવાબદારી સ્વીકારી. જુવાની જ્યારે ઈમાન અને વફાદારી સાથે જોડાઈ જાય ત્યારે ડર રસ્તો રોકી શકતો નથી.

આજે આપણે યુવાનોને ફક્ત એવું ન કહેવું જોઈએ કે ગુનાહથી બચો, મોબાઈલ છોડો કે સમય ન બગાડો. આપણે તેમને આનાથી મોટો મકસદ આપવો પડશે. તેમને એ અહેસાસ કરાવવો પડશે કે સમય એ જ જીવન છે, ક્ષમતા એ એક અમાનત છે અને ઈમાન માણસને સામાન્ય જીવનથી ઊંચો ઉઠાવીને મોટી જવાબદારી માટે લાયક બનાવે છે.

આજના યુવાન માટે સીરતનો સંદેશ પણ આ જ છે: ફક્ત સફળ ન બનો, ફાયદાકારક બનો. ફક્ત પ્રખ્યાત ન બનો, વિશ્વસનીય બનો. જ્ઞાન પ્રાપ્ત કરો, પોતાના સમયની કદર કરો, માતા-પિતાની દુઆઓ લો અને પોતાના દિલને રસૂલુલ્લાહ ﷺ ના પ્રેમથી આબાદ કરો.

જે યુવાન પાસે ઈમાન, મકસદ અને ચારિત્ર્ય હોય, તે સંજોગોનો ભોગ નથી બનતો પરંતુ સંજોગોને બદલવાની તાકાત પેદા કરે છે.

Share this article
એક માતા દ્વારા હલાલ અને હરામનો સુંદર પાઠ
લેખો

એક માતા દ્વારા હલાલ અને હરામનો સુંદર પાઠ

આ વાર્તા ડોક્ટર મોહમ્મદ રાતિબ અલ-નાબુલસીની છે જે તે પોતાની માતા વિશે જણાવે છે. તેઓ કહે છે કે એક દિવસ જ્યારે તેઓ નાના હતા, તેમની માતાએ તેમને પૂખ્યું: "શું તું પોતાના હોઠ બંધ કર્યા વિના 'હલાલ' શબ્દ બોલી શકે છે?" તેમણે પ્રયત્ન કર્યો અને સફળતાપૂર્વક પોતાના હોઠ બંધ કર્યા વિના 'હલાલ' શબ્દ બોલી લીધો....