મલફૂઝ: રમઝાનની ત્રીજી ઇબાદત એતિકાફ
*મલફૂઝાતે હકીમુલ ઉમ્મત મુજદ્દિદુલ મિલ્લત હઝરત મૌલાના મોહમ્મદ અશરફ અલી થાનવી રહમતુલ્લાહ અલયહ*
*રમઝાનની ત્રીજી ઇબાદત એતિકાફ*
ઇરશાદ ફરમાવ્યો કે રમઝાનમાં (રોઝા અને તરાવીહ સિવાય) એક ત્રીજી ઇબાદત પણ છે એટલે કે રમઝાનુલ મુબારકના આખરી દસ દિવસમાં એતિકાફ કરવો. આ એવી સુન્નત છે કે બધાના ઝિમ્મે આ અદા કરવું જરૂરી છે પરંતુ જો વસ્તી (ગામ) માંથી એક શખ્સ પણ એતિકાફ કરી લે તો બધા વતી કાફી છે (નહિતર બધા ગુનેગાર થશે). અને એતિકાફ તેને જ કહેવાય છે કે આ ઇરાદો કરીને મસ્જિદમાં પડ્યો રહે કે આટલા દિવસ સુધી પેશાબ કે પાખાના વગેરેની મજબૂરી વિના અહીંથી બહાર નહીં નીકળું. અને રોઝા તથા તરાવીહની જેમ આમાં પણ નફ્સની એક પ્યારી વસ્તુ છૂટે છે એટલે કે આઝાદ થઈને હરવું-ફરવું, અને એવી જ રીતે આમાં પણ દેખાડો થઈ શકતો નથી કારણ કે કોઈને શું ખબર કે મસ્જિદમાં કોઈ ખાસ નિયત (ઇરાદા) થી બેઠો છે કે એમ જ આવી ગયો છે.
હઝરત અલી બિન હુસૈન રઝિયલ્લાહુ અન્હુ પોતાના વાલિદથી રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે શખ્સ રમઝાનમાં દસ દિવસનો એતિકાફ કરે તેને બે હજ અને બે ઉમરાહ જેવો સવાબ મળશે (બૈહકી). હઝરત ઇબ્ને અબ્બાસ રઝિયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ ﷺ એ એતિકાફ કરનારના હકમાં ફરમાવ્યું કે તે તમામ ગુનાહોથી બચેલો રહે છે અને તેને સવાબ એવો મળે છે જાણે કોઈ તમામ નેકીઓ કરી રહ્યું હોય (મિશ્કાત અઝ ઇબ્ને માજાહ). અને એક ફઝીલત આમાં એ પણ છે કે આમાં મસ્જિદમાં હાજર રહેવું પડે છે અને હદીસ શરીફમાં મસ્જિદમાં રહેવાની બહુ મોટી ફઝીલત આવી છે. અલબત્ત સ્ત્રીઓ ઘરમાં જ પોતાની નમાઝ પઢવાની જગ્યાએ એતિકાફ કરે.
(અહકામે એતિકાફ, સફા ૧૫)