*વાક્યાત-એ-સિદ્દીક, પાના નંબર ૧૫૪*
*હઝરત મૌલાના કારી સૈયદ સિદ્દીક અહમદ સાહેબ બાંદવી રહમતુલિલ્લાહ અલયહના બોધદાયક સાચા પ્રસંગોનો ગુલદસ્તો*
*ગંભીર બીમારીમાં પણ ખિદમત-એ-ખલ્ક (લોકસેવા) અને મહેમાનોની ચિંતા*
મૌલાના મુહમ્મદ ઝકરિયા સાહેબ સંભલી ફરમાવે છે કે એક વખત સખત શિયાળાની ઋતુમાં રાત્રે દસ વાગ્યે એક વિદ્યાર્થીએ મારા મકાન પર, જે મદરેસાની અંદર જ હતું, આવીને માહિતી આપી કે હઝરતને તાવ છે અને સખત ઠંડીના કારણે ધ્રુજારી ચડી છે, મસ્જિદમાં સૂતેલા છે અને જોરજોરથી કણસી રહ્યા છે. મને ખબર હતી કે થોડીવાર પહેલાં ઇશાની નમાઝ પછી કોઈ પ્રવાસથી તેમની વાપસી થઈ છે અને મારી મુલાકાત હજુ સુધી થઈ શકી નહોતી. મને કંઈ સમજ નહોતું પડતું કે આ સમયે શું કરવું. મને ખાતરી હતી કે હઝરત ભૂખ્યા પણ હશે, તેથી કામચલાઉ ધોરણે ઈંડાનો હલવો અને સરસ ચા બનાવીને ગરમાગરમ જ હઝરતની સેવામાં પહોંચી ગયો. સલામ કરી, હઝરતે રઝાઈ (ગોદડા) ની અંદરથી જ સલામનો જવાબ આપ્યો. સ્થિતિ હજુ પણ એવી જ હતી જે વિદ્યાર્થીએ વર્ણવી હતી. ઠંડીના કારણે બોલવું પણ મુશ્કેલ હતું અને તાવ ખૂબ જ તેજ હતો. મેં વિનંતી કરી, "હઝરત, ચા પી લો, ઠંડીમાં થોડી રાહત થશે." તેઓ ફરમાવવા લાગ્યા, "મારી સાથે કાનપુરના ફલાણા (અમુક) મહેમાન આવ્યા છે અને રૂમમાં રોકાયા છે, તેમને પીવડાવી દો." મેં કહ્યું, "તેમને પણ પીવડાવી દઈશ, આપ તો પી લો." ખૂબ જ મુશ્કેલીથી થોડી ચા પીધી અને હલવો ખાધો.
ડૉક્ટર ગૌસ અહમદ સાહેબ પોતાના લેખમાં એક પ્રસંગ લખે છે કે એક પ્રસંગે જ્યારે હઝરતની કમરમાં અસહ્ય દુખાવો હતો, ત્યારે નર્સિંગ હોમમાં અમે લોકોએ એવા વિચારથી રોકાવા માટે રાજી કરી લીધા હતા કે થોડા દિવસ આરામ અને સારવારથી ઇન્શા અલ્લાહ ફાયદો થશે. પ્રયાસ કરવામાં આવ્યો કે વધુમાં વધુ આરામની તક આપવામાં આવે અને થોડા દિવસ હઝરતને લોકોની ભીડભાડથી અલગ રાખવામાં આવે. આ વાત કહેવામાં આવી નહોતી પરંતુ હઝરતને અહેસાસ થઈ ગયો અને એક દિવસ જ્યારે કોઈને (આવવાની) ના પાડવામાં આવી રહી હતી ત્યારે તેમણે સાંભળી લીધું અને મને બોલાવીને ફરમાવ્યું, "ડૉક્ટર સાહેબ! કોઈને ના પાડશો નહીં. જેવી રીતે હું તકલીફમાં છું, તેવી જ રીતે બીજા પણ તકલીફમાં હોઈ શકે છે. અલ્લાહ તઆલા બધાની પરેશાનીઓ દૂર ફરમાવે. મારી પાસે લોકો આવે છે, આ પણ અલ્લાહની મસ્લહત (શાણપણ) છે, આવવા દો; શક્ય છે કે આવનારાઓ અને દુઆ કરાવનારાઓની બરકતથી મને ફાયદો પહોંચે."