એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના નવા રિપોર્ટે રાજકીય ફંડિંગનું એક ચોંકાવનારૂં ચિત્ર રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતની 29 રજિસ્ટર્ડ બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીઓએ (RUPP) કુલ 510.41 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે. આ આંકડો દેશના કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કરતાં સૌથી વધુ છે.
દિલ્હીની 73 પાર્ટીઓએ 218.48 કરોડ અને રાજસ્થાનની 23 પાર્ટીઓએ 173.36 કરોડ રૂપિયાની આવક દર્શાવી હતી. આ ત્રણ રાજ્યોની કુલ આવક 902.25 કરોડ રૂપિયા રહી, જે દેશભરની 734 પાર્ટીઓ દ્વારા જાહેર કરાયેલી કુલ 1,118.49 કરોડ રૂપિયાની આવકના લગભગ 80.67 ટકા જેટલી થાય છે.
કરોડોની કમાણી, પણ ચૂંટણીમાં સફળતા શૂન્ય
રિપોર્ટનું સૌથી ચોંકાવનારૂં પાસું એ છે કે આટલી વિપુલ આવક હોવા છતાં આ પાર્ટીઓનું ચૂંટણી પ્રદર્શન અત્યંત નબળું રહ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં સૌથી વધુ આવક જાહેર કરનારી ટોચની 15 પાર્ટીઓમાંથી એક પણ પાર્ટીએ એક બેઠક જીતી નથી.
2020-21થી 2024-25 વચ્ચે આ 15 પાર્ટીઓએ કુલ 35 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ સફળતા માત્ર એક બેઠક સુધી સીમિત રહી.
સૌથી વધુ આવક ધરાવતી પાર્ટીઓમાં ગુજરાતની 'ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી' અને 'ભારતીય રાષ્ટ્રીય જનતાંત્રિક દળ' તથા રાજસ્થાનની 'ભારતીય ગરીબ વિકાસ કલ્યાણ પાર્ટી' સામેલ છે. આ ત્રણેય પાર્ટીઓની કુલ જાહેર થયેલી આવક 660.52 કરોડ રૂપિયા છે, જે ટોચની 15 પાર્ટીઓની કુલ આવક (973.93 કરોડ)ના 67.82 ટકા જેટલી થાય છે.
પારદર્શિતાનો અભાવ અને આવકવેરામાં મુક્તિ
ADRના જણાવ્યા અનુસાર, આ 734 પાર્ટીઓ દેશની કુલ બિન-માન્યતા પ્રાપ્ત પાર્ટીઓના માત્ર 35 ટકા જ છે. બાકીની 65 ટકા (લગભગ 1,330 પાર્ટીઓ)ના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અને દાનની વિગતો જાહેર રીતે ઉપલબ્ધ નથી.
નિયમો અનુસાર રાજકીય પાર્ટીઓને આવકવેરામાંથી મુક્તિ મળે છે, શરત એ છે કે તેઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે અને 20,000 રૂપિયાથી વધુના દાનની વિગતો ચૂંટણી પંચને આપે. જો કોઈ પાર્ટી એવું જાહેર કરે કે તેને કોઈ એક દાતા પાસેથી 20,000 રૂપિયાથી વધુનું દાન મળ્યું નથી, તો પણ તેને આ કરમુક્તિનો લાભ મળી શકે છે.
ચૂંટણી પંચની કડક કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025માં બે તબક્કામાં 808 બિન-માન્યતા પ્રાપ્ત પાર્ટીઓને પોતાની યાદીમાંથી રદ કરી દીધી હતી. સતત છ વર્ષ સુધી એક પણ ચૂંટણી ન લડવાને કારણે આ પાર્ટીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પંચે આ પાર્ટીઓને શો-કોઝ નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ આપી હતી.
આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે મોટી સંખ્યામાં બિન-માન્યતા પ્રાપ્ત પાર્ટીઓ વિપુલ આવક દર્શાવી રહી છે, પરંતુ ચૂંટણીના મેદાનમાં તેમની હાજરી અને સફળતા નહિવત જેવી છે. આ બાબતે રાજકીય ફંડિંગ અને પારદર્શિતા પર નવા પ્રશ્નો ઊભા કર્યા છે.