નેપાળના માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોલુખુમ્બુ જિલ્લાના ફેરિચે ખાતે લેન્ડિંગ દરમિયાન બે નાના હેલિકોપ્ટર આપસમાં અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત નીપજ્યું છે.
શું થયું?
પોલીસે AFP ને જણાવ્યું કે બંને હેલિકોપ્ટર એકસાથે લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ તેઓ આપસમાં અથડાઈ ગયા હતા.
સોલુખુમ્બુ જિલ્લા પોલીસ પ્રભારી નવીન રાજા બુઢાથોકીના જણાવ્યા અનુસાર, એક વિદેશી નાગરિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શી અધિકારીઓ અનુસાર, મૃતક ફિશટેલ એરનો પેસેન્જર હતો અને પાયલટને પણ ઈજાઓ પહોંચી છે. અધિકારીઓ હાલ વધુ માહિતી એકઠી કરી રહ્યા છે.
વીડિયોમાં દેખાયા દ્રશ્યો
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં કેટલાક લોકો હેલિકોપ્ટરના લેન્ડિંગની રાહ જોતા દેખાય છે. ત્યારે જ અચાનક બે હેલિકોપ્ટર આવે છે અને આપસમાં અથડાઈ જાય છે. બંનેના ફાચડા ઊડી જાય છે અને તેઓ જમીન પર પટકાઈ પડે છે, જેનાથી આસપાસ ઊભેલા લોકોમાં અફરાતફરી મચી જાય છે.
હિમાલયના વિસ્તારોમાં હેલિકોપ્ટર શા માટે મહત્વના?
નેપાળમાં પ્રવાસીઓ, પર્વતારોહકો અને જરૂરી સામાન પહોંચાડવાની સાથે-સાથે કટોકટીની પરિસ્થિતિઓમાં પણ નાના હેલિકોપ્ટરોનો મોટા પાયે ઉપયોગ થાય છે. જોકે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિઓ અને ખરાબ હવામાનમાં તેને ઉડાડવા પડકારરૂપ હોય છે.