ઉત્તર પ્રદેશના કુશીનગરમાં હાટા કોતવાલી વિસ્તારમાં એક પેટ્રોલ પંપ નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. એક ઓમ્ની વેન સામેથી આવી રહેલા ટ્રેલર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે વેનનો કુરચો બોલી ગયો હતો અને ટ્રકનો આગળનો ભાગ પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં એક 17 વર્ષનો કિશોર ગંભીર રીતે ઘાયલ થયો છે.
કેવી રીતે થયો અકસ્માત?
મૃતકો કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાલુહી ગામના રહેવાસી હતા.
તેઓ ઓમ્ની વેનમાં સવાર થઈને દેવરાજ પીપરામાં એક સંબંધીના ઘરે તિલક પ્રસંગમાં ગયા હતા.
રવિવારે મોડી રાત્રે પરત ફરતી વખતે હાટા કોતવાલી વિસ્તારમાં પેટ્રોલ પંપ નજીક સામેથી આવતા ટ્રકે વેનને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કરના કારણે વેન ચગદાઈ ગઈ હતી અને તેમાં સવાર લોકો અંદર ખરાબ રીતે ફસાઈ ગયા હતા. બૂમાબૂમ વચ્ચે બચાવ કામગીરી શરૂ થાય તે પહેલા જ 6 લોકોએ દમ તોડી દીધો હતો.
પોલીસ અને બચાવ કામગીરી
રાહદારીઓએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. 17 વર્ષના ઘાયલ કિશોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે અને કોની બેદરકારીથી થયો તેની તપાસ શરૂ કરી છે.
મૃતકોની ઓળખ:
કન્હૈયા પ્રસાદ (40): ભાલુહી ગામના સરપંચ પ્રતિનિધિ
રામબિલાસ (65): કન્હૈયા પ્રસાદના પિતા
રામમિલન (35)
આયુષ (12)
મૃદુલ મિશ્રા (37)
રંજય ગુપ્તા (35)
ઘાયલ: રામમિલનનો 17 વર્ષનો પુત્ર આર્યન ગંભીર રીતે ઘાયલ છે, જેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે.